યુગદ્રષ્ટા-ગુજરાત

કોઈપણ સંસ્થા કે સંગઠનનું મુખપત્ર તેમના કાર્યનો અરીસો છે. આ મુખપત્રના યોગ્ય પ્રચાર-પ્રસારના માધ્યમથી બહોળી પ્રસિદ્ધિ મળે છે. જો યોગ્ય સંચાલન ન થાય તો આ મુખપત્ર તેના લેખો અને સમાચારોથી વિવાદોમાં ફસાઈ જાય છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું મુખપત્ર ‘યુગદ્રષ્ટા-ગુજરાત’ આજે શિક્ષણ જગતમાં તથા પરિવાર ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વાંચન સામગ્રી ગણાય છે. આ મુખપત્ર અનેક વર્ષોથી પ્રસિદ્ધ થાય છે. અભાપિપનું રાષ્ટ્રીય કક્ષાએથી પ્રસિદ્ધ થતું સામયિક ‘છાત્ર શક્તિ’ છે તથા વિવિધ પ્રાંતોનું પોતાનું મુખપત્ર આવે છે તેમાં ગુજરાતનું નામ છે.
યુગદ્રષ્ટા ગુજરાતનું સામયિક નામ યુગદ્રષ્ટા જ હતું. ૧૯૭૧ માં યુગદ્રષ્ટાની શરૂઆત થઈ. માનનીય સ્વર્ગસ્થ નટવરલાલ રાજ્યગુરુ યુગદ્રષ્ટાના તંત્રી હતા. ત્યારબાદ શ્રી હર્ષદભાઈ પરીખ, ત્યારબાદ રમણભાઈ પટેલ અને ત્યારબાદ સ્વર્ગસ્થ શ્રી યાદી સાહેબ વર્ષો સુધી તંત્રી તરીકે રહ્યા. વર્તમાનમાં તંત્રી તરીકે શ્રી પરેશભાઈ ત્રિવેદી તથા સંપાદક તરીકે શ્રી પરાગભાઈ નાઈક છે.
શરૂઆતમાં ચાર પાનાનો હસ્તલિખિત અંક બહાર પડતો. ત્યારબાદ દિલ્હીમાં નિયમ અનુસાર રજીસ્ટ્રેશન કરાવીને માન્યતા મેળવી અને નિયમિત પ્રસિદ્ધ થતું રહ્યું. વચ્ચે એક સમયગાળો એવો આવ્યો કે યુગદ્રષ્ટા અનિયમિત થયો અને બંધ રહ્યું. ત્યારપછી પુનઃ રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત ઉભી થઈ તો નામમાં પણ ફેરફાર કરવો જરૂરી બન્યું અને યુગદ્રષ્ટામાંથી યુગદ્રષ્ટા ગુજરાત બન્યું. દર મહિનાની ૧૬મી તારીખે પ્રસિદ્ધ થતા આ માસિક મુખપત્રમાં સંપાદકીય, વિવિધ શૈક્ષણિક લેખ, સાંપ્રત ઘટનાઓનું વિશ્લેષણ, રાષ્ટ્ર ભક્તિ જાગરણ સંદર્ભે લેખો, પ્રાસંગિક લેખો, પાથેય, મુખવાસ સ્વરૂપે સુવિચારો, જાહેર પરીક્ષાઓ સંદર્ભે આવશ્યક જનરલ નોલેજની પ્રશ્નોત્તરી વિભાગ અને સૌથી અગત્યનું દરેક શાખાઓમાં યોજાતા વિવિધ કાર્યક્રમોની ફોટોગ્રાફ્સ સહિતની વિગત પ્રસિદ્ધ થાય છે. તેથી કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે છે તથા ઉત્સાહ વધે છે.
બ્લેક એન્ડ વ્હાઈટમાં પ્રસિદ્ધ થતું આ મુખપત્ર હવે four colour printing માં પ્રસિદ્ધ થાય છે અને આકર્ષક લાગે છે. વધુ પાનાં નહીં હોવાને કારણે થોડામાં ઘણું મળી રહે છે. અને અત્યારે લોકો બહુ લાંબુ વાંચવામાં રસ નથી. ટૂંકુ અને to the point લખાણવાળું આ મુખપત્ર અનેક કાર્યકર્તાઓના ઘડતરમાં નિમિત્ત બન્યું છે. જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓ બદલાતા રહે પરંતુ સત્વ એ જ રહે તેથી યંત્રણા ગોઠવાય છે.
Photo Gallery






